Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી બે દિવસ અણધાર્યા વરસાદની આગાહી કરી છે.
દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થયું છે. મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ બાદમાં સિસ્ટમ નબળી પડી ગઈ હતી અને વરસાદે વિરામ લઈ લીધો છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસે એના ચારથી પાંચ દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે પણ આ વર્ષે કાંઈક અલગ થયું છે. રાજ્યમાં ચોમાસા પહેલાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી બે દિવસ અણધાર્યા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે નવમી તારીખે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
આવતી કાલે 10મી તારીખે અને 11મી અને 12મી તારીખે વેધર મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
13મી તારીખથી ફરી વરસાદનું જોર વધતું દેખાય છે. 13મીએ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
14મી તારીખે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 7થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 13થી 22માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે. કારણ કે, કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે. આથી તારીખ 11થી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 12થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 22 સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોને ચોમાસું આવરી લેશે.